૨. સદ્દગુરુએ જે આજ્ઞા આપેલ હોય તેનું નિષ્ઠાપૂર્વક અને સમજણપૂર્વક પાલન ન કરવું.
આ કારણ વિષે આપણે પરમ કૃપાળુદેવ તથા પ.પૂ. બાપુજીના વચનોને આધારે સમજીશું. આપણને જે જે આજ્ઞાઓ મળી છે તેનું સમજણપૂર્વક, એકાગ્રતાપૂર્વક અને નિષાપૂર્વક પાલન નથી કરતાં, તેથી એકાગ્રતા નથી આવતી અથવા આજ્ઞાનું જેવું જોઈએ એવું મહત્ત્વ સમજાતું નથી અને તેથી માર્ગના સઘળા રહસ્યો તેમાં સમાયેલા છે તેનો ખ્યાલ નથી આવતો. જો નિષ્ઠાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક આજ્ઞા ઉપાસતા હોઈએ તો ગમે તે સમયે, ગમે તે ક્ષેત્રમાં હોઈએ તો પણ આપણે સદ્ગુરુદેવની સાથે જોડાયેલા રહી શકીએ છીએ. આમ આજ્ઞાપાલન માટેના આ મહાત્માઓના વચનોથી આપણને ખ્યાલ આવશે કે આપણને આજ્ઞાની જરૂરત ૧૨મા ગુણસ્થાનકના અંત સુધી એટલે કેવળજ્ઞાન પ્રગટે ત્યાં સુધી રહેલી છે.
જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૫. ૨૧, કો. ૭૧)
હે આયુષ્યમાનો ! આ જીવે સર્વે કર્યું છે, એક આવિના, તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સતપુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તેં સાંભળ્યા નથી અથવા રૂડે પ્રકારે કરીને ઉઠાવ્યા નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
સુધમાં સ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કેજગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેમણે આમ અમને કહ્યું છે, “ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા.”
“આણાએ ધમ્મો, આણાએ તવો!
આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આશાનું આરાધન એ જ તપ (આચારાંગ સૂત્ર). ઉપશમ મળે અતે જેની આજ્ઞાનું આરાધન કરીએ એવાપુરુષનો ખોજ રાખજો. (પ. ૧૯૪) અહીં પૂ. બાપુજી સમજાવે છે કે ઉપશમ એટલે ગુરુગમ.
જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ સંભવતી નથી. (પ. ૨૦૦) પ્રત્યક્ષ શબ્દ લખ્યો છે, એટલે અરિહંત ભગવાનની ઇચ્છાએ અથવા દેહધારી જ્ઞાની મહાત્માની ઇચ્છાએ એટલે આજ્ઞાએ નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનરૂપી અંધારું જશે નહીં. પ્રકાશ થશે નહીં. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. (૫. ૨૦૦) તેની એટલે કોની ? તે જ્ઞાનીની, તે સંતપુરુષની, તે મહાત્માની ભક્તિમાં જોડાય. અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહી. (પ. ૨૦૦) પોતાની ઇચ્છા મુજબ હું જાણું છું, સમજુંછું એમ મહેનત કરે, જમીનને ખોદી નાખે, પરસેવા વાળે, પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. ક્યાં સુધી ? અનંતકાળ સુધી.
પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. (૫. ૨૦૦) જે જીવ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક થાય તે અંતર્મુહૂર્તમાં એટલે એક સામાયિક કરીએ તેટલા સમયમાં (૪૮ મિનિટમાં) કેવળજ્ઞાન પામી જાય. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે.
આમાં આજ્ઞાઓ લખી છે પણ એ આજ્ઞાઓ પરોક્ષ છે. પોતાની ભૂમિકા તૈયાર થાય તેને માટે કહી છે.
મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. (પ. ૨૦૦) તો મોક્ષ ઝડપથી થાય.
જીવને બે મોટા બંધન છે. એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છંદ ટાળવાની જેની ઇચ્છા છે, તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. અને પ્રતિબંધ ટાળવાની ઇચ્છા જેની છે, એણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. (પ. ૧૯૬)
પાયા કી એ બાત હે, નિજ છંદન કો છોડ, પિછે લાગ સત્પુરુષ કે, તો સબ બંધન તોડ. (પ. ૨૫૮)
સંતની કૃપા પ્રાપ્ત થવી જોઈએ, આ વસ્તુ પ્રાપ્ત થઈ શકે એમ છે. એની વાત તને કહું છું કે પહેલાં તું તારું સ્વચ્છંદપણું મૂકી દે. “હું ડાહ્યો છું.” “હું સમજું છું.” એવી વાત છોડી દે અને પછી સત્પુરુષની પાછળ લાગી જા, એટલે કે એના આશ્રયમાં જતો રહે અને તેની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરતો રહે તો ભગવાન આત્માની પ્રાપ્તિ થશે.
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉર માંહી, આપ તણો વિશ્વાસ દઢ, નેપરમાદર નાહીં. (૫. ર૬૪)
ભગવાન ગુરુદેવની આજ્ઞા “આણાએ ધમ્મો, આણાએ તવો” એ આજ્ઞા મારા ઉરમાં, હૃદયમાં અચળ પણે સ્થિત થઈ નથી. મારે આપની આજ્ઞા તો ઉઠાવવી જ જોઈએ. એક શ્વાસોશ્વાસની ક્રિયા સિવાય સાધકને ગુરુની આજ્ઞા સિવાય કાંઈ કરવાની ના કહી છે.
તન સે, મન સે, ધન સે, સબસે, ગુરુદેવ કી આન સ્વઆત્મ બસે. (પ. ર૬૫)
સત્્પુરુષની ઓળખાણ થાય એટલે તન, મન, ધન બધું અર્પણ કરે. અર્પણ કરે એટલે એક શ્વાસોશ્વાસ સિવાયની કોઈ ક્રિયા આજ્ઞા વગર ન થાય.
કેટલું કહીએ ? જેમ જેમ આ રાગદ્દેષનો નાશ વિશેષ કરી થાય તે તે પ્રકારે પ્રવર્તવું એ જ આજ્ઞા જિનેશ્વર દેવની છે. (૫. ૪૨૦) (ઉપદેશરહસ્ય, ઉપા.યશોવિજયજી)
આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી ચંદનવૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયારૂપ સુગંધ વિશેષ પડે છે. જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. (૫.૪૭૨)
આપણે આત્માને શોધવા નીકળ્યા છીએ. જો જ્ઞાનીની આજ્ઞાએ ધ્યાન થાય તો આત્મા પ્રગટ થાય.
આત્માનાં દર્શન થાય, ભગવાન આત્માનાં દર્શન થાય. અનુભવ થાય.
સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. (પ. ૪૯૧)
સંસારને ઉપાસવાનો ભાવ સર્વથા ત્યાગવો. પોતે ગમે તેટલા હોશિયાર હોય તો પણ પોતે જાણ્યું હોય એ બધું છોડી દેવું અને જે આજ્ઞાઓ થાય એનું આરાધન કરવું.
તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વદુઃખથી મુક્ત થાય છે. (૫. ૪૯૧)
જ્ઞાનીપુરુષનાં ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી. જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. (૫. ૫૭૨)
સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. (આ.સિ. ૧૭)
સ્વચ્છંદ છે તે પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી જ રોકી શકાય છે. તે સિવાયના બીજા ઉપાય કરે તો બમણો થાય છે. સાધક સ્વચ્છંદ, મતાગ્રહ છોડીને પ્રત્યક્ષ સદ્દગુરુની આજ્ઞાએ ચાલે તો કારણને કાર્ય ગણીને તેને
સમકિત છે એમ કહ્યું છે.
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. (આ.સિ. ૩૫)
આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય એ જ મુનિ ગણાય. તે જ સાચા ગુરુ કહેવાય. પ્રત્યક્ષ સદ્ગુરુનો પરમ ઉપકાર છે એમ સમજીને મન, વચન, કાયાથી તેમની આજ્ઞા ઉઠાવવી જોઈએ.
મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. (આ. સિ. ૧૧૦)
મતમતાંતર અને સંપ્રદાયનો આગ્રહ તજી દઈને જે આત્મા સદગુરુના લક્ષે -તેની આજ્ઞાએ વર્તે તે શુદ્ધ
સમકિતને પામે તેમાં કોઈ ભેદ કે પક્ષ પડતાં નથી.
આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદ્ગુરુ વૈધ સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. (આ.સિ. ૧૨૯)
આત્માનેપોતાના સ્વરૂપનું ભાન નહીં, એવો બીજો કોઈ રોગ નથી. સદ્દગુરુ જેવા તેના કોઈ સાચા અથવા
નિપુણ વૈદ્ય નથી, સદ્દગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી.
આ રોગને મટાડવા માટે ગુરુની આજ્ઞા પાળવા રૂપ પથ્ય પાળવું જરૂરી છે, તેઓ દવા - સુવિચારણા અને ધ્યાન કરવાની આપે છે.
પરમપુરુષની મુખ્ય ભક્તિ, ઉત્તરોત્તર ગુણની વૃદ્ધિ થાય એવા સદ્વતનથી પ્રાપ્ત થાય છે. ચરણપ્રતિપતિ (શુદ્ધ આચરણની ઉપાસના) રૂપ સદ્વર્તન જ્ઞાનીની મુખ્ય આજ્ઞા છે, જે આજ્ઞાપરમપુરુષની મુખ્ય ભક્તિ છે. (૫. ૮૮૫)
ક્ષીણમોહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. (૫. ૮૮૮) પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. (૫. ૯૪૩)
તો જ્ઞાની આમ કહે છે કે પરમ નિવૃત્તિ નિરંતર સેવવી અંતર વગર. કાંઈ ઉંઘવા માટે નહીં હો !
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; (પ. ૯૫૪)
પાંચ ઇન્દ્રિયોના વિષયો મંદ પડતા જાય, સ્વભાવમાં સરળતા આવે અને સુવિચારણા જાગે અને
એ આજ્ઞા ઉઠાવે.
જ્ઞાનીને ઓળખો. ઓળખીને તેઓની આજ્ઞા આરાધો. (ઉ.નો. 16)
“'ઓળખો', “ઓળખો” કહીએ અને “આપણે ઓળખીએ છીએ” એમ પણ કહીએ છીએ પરંતુ એ ઓળખાણ સાચી નથી. ધ્યાન રાખજો જ્ઞાનીને આંતરિક રીતે ઓળખવા જોઈએ. કહેવાય છે કે એક શ્વાસોશ્વાસ સિવાય સાધકથી, મુમુક્ષુથી જ્ઞાનીની આજ્ઞા સિવાય કાંઈ થઈ શકે નહીં.
જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે. (ઉ.નો. ૧ ૬)
એક આજ્ઞા આરાધો તેમાં કલ્યાણ કેટલું ? અનેકવિધ. આ કોણ લખે છે ? પરમ કૃપાળુદેવ લખે છે.
જેમ બને તેમ સદ્વૃત્તિ અને સદાચાર સેવવાં. જ્ઞાનીપુરુષ કંઈ વ્રત આપે નહીં. અર્થાત્ જ્યારે પ્રગટ માર્ગ કહે અને વ્રત આપવાનું જણાવે ત્યારે વ્રત અંગીકાર કરવાં. પણ ત્યાં સુધી યથાશક્તિ સદ્વ્રત અને સદાચાર સેવવાં એમાં સદાય જ્ઞાનીપુરુષની આજ્ઞા છે. (ઉ.છા. ૭)
દઢ નિશ્ચય કરવો કે વૃત્તિઓ બહાર જતી ક્ષય કરી અંતરવૃત્તિ કરવી; અવશ્ય એ જ જ્ઞાનીની આજ્ઞા છે. (ઉ.છા. ૪) આજ્ઞામાં અહંકાર નથી. સ્વચ્છંદમાં અહંકાર છે. (ઉ.છા. ૭) જીવ તરવાનો કામી હોય, ને સદ્ગુરુની આજ્ઞાએ વર્તે, તો બધી વાસનાઓ જતી રહે. સદ્ગુરુની આજ્ઞામાં બધા સાધનો સમાઈ ગયાં. (ઉ.છા. ૧૦) સદ્ગુરુનો જોગ મળ્યે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેનો ખરેખરો રાગટ્દેષ ગયો. (ઉ.છા. ૧૦) જીવ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે શાંતપણામાં વિચરે તો અંતર્મુહૂર્તમાં મુક્ત થાય છે. (વ્યા. ૨-કો. ૩૦)
જ્ઞાનીની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. (૫. ૫૧૧) આજ્ઞામાં જ એકતાન થયા વિનાપરમાર્થના માર્ગની પ્રાપ્તિ બહુ જ અસુલભ છે. એકતાન થવું પણ બહુ જ અસુલભ છે. (૫. ૧૪૭)
જ્યાં સુધી ગુણે, લક્ષણે અને વેદનપણે આત્માને જાણ્યો નહીં, ત્યાં સુધી એનો અનુભવ થાય નહીં. એ જાણવાનો એક જ રસ્તો છે કે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે વાંચવું અને જેટલું બની શકે તેટલું જ્ઞાનીપુરુષના મુખેથી સમજવું, તો સમજણ થાય. (ગુરુવાણી પા. ૪૯)
એક પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મે, ગજા વગરને હાલ મનોરથરૂપ જો;
તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો... અપૂર્વ અવસર. ૨૧
આ પ્રમાણે મે પરમપદ પ્રાપ્તિનું ધ્યાન કર્યું છે, મારું ગજું નથી. અત્યારે તો હું એ પ્રમાણે થઈશ એવા મનોરથ સેવું છું. પણ આ રાજચંદ્રને તો એના મનમાં નિર્ણય થઈ ગયો છે કે પ્રભુ આજ્ઞાએ, ભગવાનની કૃપાએ, એની આજ્ઞાએ એના જેવા જ, તે જ સ્વરૂપ થઈ જશું. (૫. ૭૩૮)
હે જીવ ! હવે તારે સત્ગુરુની આજ્ઞા નિશ્ચયે ઉપાસવા યોગ્ય છે. (૫. ૫૦૫)
જે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે, તે તે સાધન જ્ઞાનીપુરુષની આજ્ઞાથી થતાં જણાતાં નથી, એ વાત અંદેશારહિત લાગે છે. જો એમ થયું હોત તો જીવને સંસારપરિભ્રમણ હોય નહી. જ્ઞાનીપુરુષની આજ્ઞા છે તે, ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. (૫. ૫૧૧)
આમ ઉપર જણાવેલ પરમ કૃપાળુદેવના આજ્ઞાનું મહત્ત્વ સમજાવતાં વચનો તથા પ.પૂ. બાપુજીએ સમજાવેલ અર્થ જો આપણને હૃદયગત થશે તો આપણે આપણા લક્ષ સુધી સહેલાઈથી પહોચી શકીશું, કારણ કે આપણું ક્ષેત્રમાં આ આજ્ઞાઓનું બળ જ આપણી સાથે છે. તો સમજણ અને નિષાપૂર્વક આજ્ઞાઓને ઉપાસવી.
-પ્રેષક : બ્રહ્મનિષ્ઠ દીપકભાઈ