આપણે તો અનંતના યાત્રી છીએ. દેહમાં પૂરાઇને કેમ રહેવાય.
શરીર એ જ વેદનાની મૂર્તિ છે. અનંત દુઃખ તે દ્વારા જ આપણે ભોગવીએ છીએ. જન્મ - મરણ, વૃદ્ધાવસ્થા, રોગ, આ બધું દેહ સાથે જોડાયેલું દુઃખ છે. અવ્યાબાધ સુખ અને શાશ્વત આનંદની પ્રાપ્તિ માટે જરૂરી છે કે આપણે જન્મમરણના દુઃખમયચક્રને હવે રોકી દઈએ અને સિદ્ધ પરમાત્માની જેમ વિદેહી અને અયોગી બની જઈએ.
શાશ્વત સુખ અને આનંદને આપણા જીવનનો અભિગમ બનાવી દઈએ.
શાશ્વત સુખને પ્રાપ્ત કરવા માટે આપણે ગુણોને સીંચતા રહીએ, પરમ સત્યને પામવાનું લક્ષ ક્યારેય ન ભૂલીએ, યોગ્ય જીવન વલણ અપનાવીએ, અનુશાસન અને સંયમ દ્વારા જીવનને ઉન્નત રાખીએ અને અંતે ભાઈશ્રી જેવા સમર્થ સંતની નિશ્રામાં આત્માના ગુણોને સમજી તેને સાધી દિવ્ય પ્રેમ અને આનંદમાં સ્થિર થઇ જઈએ. આત્મસાક્ષાત્કાર એ પ્રથમ પડાવ છે અને ત્યાર બાદ નિજસ્વરૂપની અખંડ સમાધિમાં અનંત કર્મોની નિર્જરા કરીને આ આત્માને મુક્ત કરવાનો છે. તમામ ગુણો પ્રેમમાં રહેલા છે. તે પ્રેમના દર્શન ભાઈશ્રીમાં થાય છે, તેમનું એ નિર્મોહી વાત્સલ્ય એ આપણી સજીવન મૂડી છે. તેમાં સતત ઝબોળાઈને પવિત્ર થતા રહેવાનું છે.
મારે આનંદમાં રહેવું છે અને આનંદની લ્હાણી કરવી છે. પણ એ કેવી રીતે શક્ય બને જો હું પોતે દીન અને દુઃખી હોઉં? જે મારી પાસે નથી તે હું અન્યને કેવી રીતે આપી શકું? શું આનંદની પ્રાપ્તિ આત્મસાક્ષાત્કાર પછી જ થશે?
એ વાત સાચી છે કે આનંદનો મૂળ સ્રોત આત્મા છે પણ જો હું મારું લૌકિક જીવન જાગૃતિપૂર્વક જીવીશ તો તે જીવનમાં અનેક પ્રકારના અલૌકિક ગુણપુષ્પો ખીલશે અને તેની સુવાસથી મારું જીવન આનંદથી મઘમઘી ઉઠશે. એવા કયા મહત્વના મુદ્દાઓ છે જે મારું લૌકિક જીવન અલૌકિક બનાવી દેશે?
જીવનને એક નવી દિશા આપો:
- સફળતા કરતાં સંતોષ અને સુખ, તેમજ સત્તા કરતાં શાંતિ વધારે મહત્વની છે એ યાદ રાખો.
- જીવનની દુઃખભરી સ્મૃતિઓને ભૂંસી નાખો અને ભુલાવી દો.
- અન્યમાં રહેલા ગુણોને જોતા રહો.
- પ્રાકૃતિક સૌંદર્ય મધ્યે રહેવાનો અધિક પ્રયાસ કરવો.