સંત પરમ હિતકારી, પરમ પૂજ્ય આત્માનંદજીનું રાજમંદિરમાં આગમન
જેમની નિશ્રામાં દેહકેન્દ્રિત જીવન આત્મકેન્દ્રિત બને, કષાયો ઉપશમિત થાય, ઇન્દ્રિયો સંયમિત વર્તે અને મન પવિત્ર તેમજ સ્થિર રહે એવા મહાપુરુષોનું પવિત્ર આગમન જ્યારે સાયલાના આશ્રમમાં થાય ત્યારે મુમુક્ષુઓ ઉત્કૃષ્ટ ભક્તિભાવથી તેમને આવકારતા હોય છે.
છેલ્લા એક વર્ષથી પરમ પૂજ્ય ભાઈશ્રી તેમજ સર્વે મુમુક્ષુઓ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એવા પરમ શ્રદ્ધેય, પરમ પૂજ્ય શ્રી આત્માનંદજી સાહેબ ગુરુવાર, તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૯ની સવારે ૧૦:૪૦ કલાકે સાયલા આશ્રમમાં પધાર્યા હતા. તેઓની સાથે શાંતમૂર્તિ પૂજ્ય શર્મિષ્ઠાબેન, પરમ આદરણીય, બાળ બ્રહ્મચારી શ્રી સુરેશજી તેમજ કોબા આશ્રમના અગ્રગણ્ય મુમુક્ષુઓ પણ પધાર્યા હતા.
તેમની ગાડી મુખ્ય દ્વારમાંથી દાખલ થઇ અને હર્ષવિભોર મુમુક્ષુઓએ ગરબા રમી ચહેરા પર આનંદના ભાવો સાથે તેમનું સ્વાગત કર્યું. પરમ પૂજ્ય ભાઇશ્રીએ આંટી પહેરાવી અને નાદુરસ્ત તબિયત અને સફરનો થાક હોવા છતાં પૂજ્ય આત્માનંદજી સીધા રાજમંદિરમાં પધાર્યા.
પરમ આદરણિય મીનળબેન તેમજ બ્રહ્મનિષ્ઠ વિક્રમભાઈએ તેમનું ભાવઊર્મિઓથી શાબ્દિક સ્વાગત કર્યું અને ત્યારબાદ ૧૦૮ ઇંચ ઊંચી, પરમ કૃપાળુ દેવની દિવ્ય પ્રતિમાજીની આગળ રહેલા પડદાને શ્રી આત્માનંદજી સાહેબના હાથે બટન દબાવી ઉપર લેવડાવ્યો. ૮ મિનિટ સુધી તે પ્રતિમાના સ્વરૂપસ્થ ભાવોમાં સર્વે ખોવાઇ ગયાં! તેમના જ્ઞાન નેત્રો પ્રત્યે સહુ એવા સ્થિર થયા કે દેહભાવ ભૂલાતો ગયો. પવિત્ર ચેતના સાથે વૃત્તિઓ એકાકાર થઇ અને સર્વે ધન્ય થયાં.
ત્યારબાદ આ સજીવન સમી પ્રતિમાજીને વર્ણવતું એક પદ વિક્રમભાઈએ ગાયું અને સમતાધારી ભાઈશ્રીએ તેમજ મીનળબેને સાથે મળી આત્માનંદજી સાહેબ તેમજ સતી સીતા સમા શર્મિષ્ઠાબેનનું શાલ ઓઢાડી બહુમાન કર્યું.
સંતશ્રી આત્માનંદજી સાહેબને વિનંતિ કરતાં તેઓ એક નમસ્કાર મંત્ર બોલ્યા અને ત્યાર બાદ જે સૂત્ર તેમના ભાવચારિત્રની ઓળખ બન્યું છે તે તેઓએ ત્રણ વાર સહુને બોલાવડાવ્યું. “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.” શારીરિક પ્રતિકૂળતા હોવા છતાં તેમના ચહેરા ઉપર સતત અંતરઆનંદની છાયા ઊભરાતી હતી. સંતનું સંતપણું દૈદીપ્યમાન થતું હતું.
ત્યારબાદ સ્વાધ્યાયમાં પ્રજ્ઞાશીલ ભાઇશ્રીએ પૂજ્ય છોટાબાપુજીનો પુષ્પાબેન ઉપર લખેલ પત્ર નંબર ૨૧ લીધો હતો. મૃત્યુની ભય પ્રકૃતિનો પ્રશ્ન પુષ્પાબેનનો હતો. જવાબમાં છોટાબાપુજી કહે છે કે “મૃત્યુ વિષે મનમાં જેટલા ઘોડાઓ ઊઠે છે તેના તમે સાક્ષી રહી શકો છો. પહેલા ભળેલા રહેતા તે હવે ક્રમે કરી છૂટાં રહેવાય છે તો તે ભય પ્રકૃતિ ઊછળી ઊછળી સામે આવતી તેના તમે સાક્ષી ખરા કે નહિ? સાક્ષી આત્મા હંમેશા નિર્લેપ, અપરિણામી તથા અક્રિય છે. તેમાંથી ઉપયોગનો કે જ્ઞાનનો પ્રવાહ ચાલ્યો આવે છે. આપણા જ્ઞાનનો પ્રવાહ કે ઉપયોગનો પ્રવાહ, તે નિર્લેપ આત્માની સમય સમય જ્ઞાન અવસ્થા, તે દેહના ધર્મો, સુખ દુઃખ કે જ્ઞાન ઇંદ્રિયોની સાથે બંધાયેલા છે. એટલે દરેક ઉદય વખતે આપણે જાગૃતિ રાખવાની છે કે આપણે નિર્લેપ ચેતન છીએ, સાક્ષી છીએ.”
શાંતભાવે ભાઇશ્રીએ સમજાવ્યું કે ઇન્દ્રિઓની પાછળ મન છે અને મનની પાછળ આત્મા રહ્યો છે. જો આત્મા મનને પ્રેમથી નિયંત્રિત કરે તો ઈન્દ્રીઓ સંયમિત રહે. સાક્ષીભાવે આ જગતમાં અકરતૃત્વબુદ્ધિએ કાર્યો કરવાનાં છે. ઉપયોગને પરવસ્તુઓથી પાછો વાળી સ્વકેન્દ્રિત કરીને બહિરાત્મભાવને ત્યજી અંતરાત્મભાવમાં સ્થિર થવાનું છે. તેમ કરતા આપણે અસંગ, નિર્લેપ અને નિ:સ્પૃહ રહી શકીશું. ભય કે આંતરિક ચંચળતા નહિ રહે. ચિત્ત પ્રશાંત થતા આપણે આત્માનંદને અનુભવીશું.
ત્યારબાદ પ્રેમમૂર્તિ શર્મિષ્ઠાબેને બાપુજીની સાથેની પ્રથમ મુલાકાત યાદ કરી હતી અને કહ્યું હતું કે મને બાપુજી મારા પિતાતુલ્ય લાગતા હતા અને સાયલા આવી છું તો એવું લાગે છે કે હું મારા પિયરે આવી છું. આત્મસિદ્ધિની એક મહત્વની કડીનો ઉલ્લેખ કરીને કહ્યું કે,
“સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદગુરુ લક્ષ;
સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.”
આપણા સમર્પણભાવમાં ક્યાંય કચાશ ન રહી જાય અને આજ્ઞાઓનું પાલન અપૂર્વ રુચિ તેમજ પૂર્ણ શ્રદ્ધાન સાથે થાય તે બહુ જરૂરી છે. પ્રત્યક્ષ નિશ્રામાં આમ વર્તાશે તો જીવ સમ્યગદર્શન અવશ્ય પામશે.
છેલ્લે વિક્રમભાઈએ રાજમંદિર વિષે થોડી માહિતી આપી અને સૌ બેઝમેન્ટમાં રહેલી પરમ કૃપાળુ દેવની ખડગાસન મુદ્રાની પ્રતિમાજીનાં દર્શન કરવા ગયા, જ્યાં સ્તુતિ કર્યા બાદ કૃપાનિધાન આત્માનંદજી સાહેબે એક ભજનની પંક્તિ ગાઈ હતી.
અન્નપૂર્ણામાં સૌએ સાથે ભોજન લીધા બાદ થોડો આરામ કરી બપોરના ૩:૧૫ આસપાસ તેઓ કોબા જવા માટે રવાના થયા. બે સંતો અને મુમુક્ષુઓનું આનંદસભર મિલન તેમજ પારમાર્થિક પ્રેમની પવિત્રતાનો દિવ્ય અનુભવ જીવનભર આપણે માણતા રહીશું.