મુત્યુના પાંચ પાચીક:
આમ તો દરેકનો મૃત્યુ સાથેનો વ્યક્તિગત અનુભવ અનોખો જ હોય છે. પરંતુ મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે સામાન્ય રીતે જ્યારે જયારે આ ઘટના ઘટે છે ત્યારે ત્યારે આ પાંચ લાગણીઓ ઓછા-વત્તા અંશે અનુભવાય છે. જો આપણે આ પાંચ લાગણીઓને સાચી રીતે સમજી શકીએ તો આપણા સ્નેહી / મિત્ર / પરિવારજનની લાગણીને યથાતથ્ય સમજીને તેમની મદદ કરી શકીએ.
૧. અસ્વીકાર : ઘણી વાર વ્યક્તિ આ કારુણ્ય ઘટનાનો સામનો કરે છે તેનો પ્રથમ પ્રતિસાદ આ ઘટનાનો અસ્વીકાર હોય છે. જીવન અર્થ વગરનું લાગે છે અને દરેક પસાર થતી પળ જાણે કે પરાણે જીવાતી હોય એવી લાગણી ઉદ્દભવે છે. વ્યક્તિ એક એવી ભ્રમણામાં જીવતી હોય છે કે હમણાં સવાર પડતાં, ગયેલ વ્યક્તિ અચાનક દર્શન દેશે. ઘણી વાર એ ભ્રમણામાં મૃતકને માટે થાળી પણ મંડાઈ જાય છે. ખૂબ વર્ષોનો સાથ અને રોજનો એક દૈનિક ક્રમ, જુની આદતોની છાપને ભૂસાતા વાર તો લાગે જ ને!
૨. ગુસ્સો : આ મુંઝવણ અને સુષુપ્તતામાંથી જાગે છે એક ઝળહળતો આક્રોશ, એક એવો ભસ્મીભૂત કરી નાખનાર ગુસ્સો. અગાઢ ખાલીપાને એક કામચલાઉ સેતુથી જીવન સાથે જોડવાનો, એક ફરજિયાત તોય વ્યર્થ પ્રયાસ; એમાંથી ઉદ્દભવતો ગુસ્સો ઘણો તીવ્ર હોય અને એનો શિકાર કોઇપણ બની શકે – પરિવારજનો, મિત્રો, ડૉક્ટર અથવા જનાર સ્નેહીજન પણ! ક્યારેક એ ગુસ્સાની તીક્ષ્ણ સોય અંતિમવિધિમાં કોઈ કારણવશ ગેરહાજર રહેનાર તરફ વળે છે તો ક્યારેક એવા લોકો તરફ જે સંજોગો બદલાતાં પોતાના રંગો બદલવા માંડે છે. આધ્યાત્મિક પંથીઓ તરીકે આપણે ક્રોધિત વ્યક્તિ પ્રત્યે કરુણામય અને ધૈર્યશીલ વર્તન અપનાવવું જોઈએ.
૩. સોદાબાજી : પરમાત્મા સાથે વાટાઘાટની શરૂઆત થાય છે, “જો હું મારું શેષ જીવન બીજાને મદદ કરવામાં વીતાવું તો કેમ રહેશે? શું એમ કરવાથી એવો ચમત્કાર થઈ શકે ખરો કે આ ઘટના એક ખરાબ સ્વપ્નની જેમ આંખ ઉઘાડું ત્યારે વિલય થઈ જાય?” આ તબક્કામાં એવા ઘણાંય ``જો હું..., કાશ હું...,” જેવા પ્રશ્નો કરે. જે સામાન્ય રીતે પોતાને દોષી માનવા અને પોતાને દોષ આપવામાંથી ઉદ્દભવતા હોય છ; જેમ કે, “કાશ હું એ અકસ્માતને થતા રોકી શક્યો હોત’’; “કાશ અમને ગાંઠની ખબર વહેલી પડી ગઈ હોત તો?” સમયના કાંટાને ઊંધા ફેરવીને, પોતાના ભૂતકાળને બદલીને, જનારને પાછા લાવવાની ચાહના ચોક્કસપણે ઊભી થાય એ સ્વાભાવિક છે.
૪. હતાશા : સમય જતાં જ્યારે વ્યક્તિને એમ લાગે છે કે કંઈ પણ કરીને જનારને હું પાછા નહીં લાવી શકું ત્યારે એ વર્તમાનનો, મને કે કમને, સામનો કરે છે-પણ આ સામનો એને વ્યાવહારિકતાને બદલે હતાશા તરફ ધકેલે છે. દુઃખી દિલ ખૂબ મજબૂરી અનુભવે છે. વળી જ્યારે મૃતક સાથેનો સંબંધ ખૂબ ગાઢ અને ઘનિષ્ટ હોય છે ત્યારે એના જવાથી હતાશા પણ એટલી જ જોરદાર અનુભવાય છે. “હું એમના વગર કેવી રીતે જીવીશ? મને સુધારા કરવાનો મોકો કદી ન મળ્યો, મેં મારી તક ગુમાવી દીધી’’, વ્યક્તિની આવી નિરુત્સાહી અને હતાશાભરી મનોદશા જોનારને એમ જ લાગે છે કે આ વ્યક્તિ હતાશાના દલદલમાંથી કદીયે બહાર નહીં આવી શકે, પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે આ કોઈ માનસિક રોગ નથી – આ તો ફક્ત જનારની ખોટનો એક સ્વાભાવિક પ્રતિસાદ છે.
૫. સ્વીકૃતી : ઉપરના ચારમાંથી લગભગ બધા જ તબક્કાઓમાંથી પસાર થયા બાદ વ્યક્તિ દુઃખદ ઘટનાનો સ્વીકાર કરી લે છે. એ માની લે છે કે એના પ્રેમીજન ફરી સદેહે ક્યારેય જોવા નહીં મળે. આમ માનવું એ નથી સૂચવતું કે એમણે હાલાતને અપનાવી લીધી છે કે પછી એ સ્વીકૃતિ દિલથી કરી છે, વ્યક્તિ બસ નવી “ટેવ’’ સાથે જીવતા શીખી રહી હોય છે. પણ આ સ્વીકૃતિમાં એક આશાસ્પદ અવકાશ છે કે વ્યક્તિના દિવસો ખરાબ કરતાં સારા વધુ જશે. એવું ત્યારે થશે જયારે એ પોતાના શેષ જીવનની ઢબને બદલશે અને બધી જવાબદારીઓની નવેસરથી પોતાના અને શેષ કુટુંબીજનામાં વહેચણી કરશે. જનારની ખોટ કોઈ પૂરી શકતું નથી, ખાસ કરીને જ્યારે તે માં હોય, પણ નવા સંબંધો, નવા જોડાણના તાંતણાઓ અને એકમેવ અવલંબન જરૂરથી સાધી શકાય છે.
દરેક વ્યક્તિ અલગ છે અને તે પોતાનું દુઃખ અલગ રીતે વેદે છેે. જો આપણને આ ઉપર ઉલ્લેખેલ તબક્કાઓની જાણ હોય તો આપણે એ વ્યક્તિને સાચો અને જરૂરી સહારો આપી શકીશું.
ઝંપલાવવાનો વારો
“જુઓ તો ખરાં, હું કેટલો મહાન છું, મેં કેવી મદદ કરી ને?”
સૌ પ્રથમ આપણે જ્યારે પણ આવા પ્રસંગમાં કોઈને મદદરૂપ થઈએ ત્યારે એ વાતની તાકીદી રાખવી ખૂબ અગત્યની છે કે આપણે આ મદદ આપણા અહમને પોષવાને નથી કરી રહ્યાં.
જો આપણી પ્રેરણાને હકારાત્મક દિશા આપીને આપણે સતધર્મ તરફ વળીએ જે આપણને આપણા મિત્ર / સ્નેહી માટેની આપણી લાગણીઓને એક સુંદર વાચા આપશે અને આપણે સાચા મિત્રની ગરજ સારી શકીશું.
આ રસ્તાઓ છે : મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થતા અને ચિંતન વડે વૈરાગ્યની કેળવણી.
મૈત્રી ભર્યું પગલું ૧ : મૈત્રી – વિશ્વવાત્સલ્યપણું અને વિશ્વમૈત્રી
જે વ્યક્તિએ પોતાના અંગતને ખોયા છે એને સૌથી ઉત્તમ સહારો જો તમે આપી શકતા હો તો એ છે તમારો અવિભાજિત સમય અને તમારી પ્રેમાળ હાજરી. જ્યારે તમે એની સાથે હો, ત્યારે જાગૃતપણે એની સાથે જ રહી, એને સક્રિય રીતે સાંભળો.
મોબાઈલને બંધ અથવા ``સાઈલન્ટ’’ કરી નાખો, ફક્ત અને ફક્ત એની પાસે બેસો, ભલે ને તમે એક હુંકાર પણ ન ભરી શકો – મનને મજબૂત કરીને મૌનને સેવો. બન્ને વચ્ચેના મૌનને તમારા મિત્રના શબ્દોથી ભરવા દો, તમારા શબ્દોથી નહીં.
જો તમારે કંઈ કહેવું જ પડે, એ પણ ત્યારે જ્યારે તમે એમનો આ દુઃખદ ઘટના પછી પહેલી વાર સંપર્ક કરતાં હો તો આમાંના અમુક વાક્યો કદાચ એ દુઃખી હૃદયને થોડી શાતા જરૂર પહોચાડી શકશે, જેમ કે :
. દુઃખદ સમાચાર સાંભળીને હું ખૂબ દિલગીર છું.
. મને શબ્દો નથી સુઝતાં પણ મને તમારી બહુ કાળજી છે.
. તમારી ભાવના હું નથી સમજી શકતો, પરંતુ હું કોઈ પણ પ્રકારની મદદ આપવા તૈયાર છું.
. તમે અને તમારા સ્વજ્ન માટે હું હંમેશા પ્રભુ પાસે પ્રાર્થના કરીશ.
. મને હજી પણ યાદ છે....
. મારી જ્યારે પણ જરૂર પડે, વહેલી સવારે કે મોડી રાત્રે, તો ફક્ત એક ફોનનંબર ઘુમાવી દેજો.
. કંઈ પણ ન કહેતાં એમને ભેટી પડવું.
. આવા સમયે આપણને બધાને કોઈ સહારો જોઈએ છે. હું તમારી સાથે જ છું.